વાર્તા : ભગવાન નો ભાગ

શામજી નાનપણ થી ભરાડી ભાઈબંધ ઘણા અને શામજી એનો હેડ. ભાઈબંધો ને ભેગા કરી ને પછી આંબલી પાડે, કોઈના ખેતર માંથી શિંગ ના પાથરા ઉપાડે, ગાંડા બાવળ માંથી હાંઘરા પાડે અને પછી ગામને ગોંદરે વડ નું ખૂબ મોટું જાડ એની નીચે બેસીને બધી વસ્તુના ઢગલા કરતા અને પછી શામજી ભાગ પાડે બધા ભાયબંધ ના ભાગ કરીને છેવટે એક વધારાનો ભાગ કરે.

ભાઈબંધ પૂછે એલા શામજી આ કોનો ભાગ તો શામજી કહે
 ‘આ ભાગ ભગવાનનો !’ 
અને પછી સૌ પોતપોતાનો ભાગ લઈને રમવા દોડી જતા. અને ભગવાનનો ભાગ ત્યાં મૂકી જતા. ભગવાન રાતે આવશે, છાનામાના પોતાનો ભાગ ખાઇ જશે એમ શામજી બધા ને સમજાવે. 

   બીજે દિવસે સવારે  વડલે જઈને જોતા તો  ભગવાન એનો ભાગ ખાઈ ગયા હોય બોરના ઠળીયા ત્યાં પડ્યા હોય અને પછી તો આ રોજની એમની રમત થઈ ગઈ અને આમ રમતા રમતા શામજી મોટો થયો ગામડે થી શહેર કમાવવા ગયો.

બે હાથે ઘણું ય ભેગું કર્યું જેમ જેમ કમાણી વધતી ગઈ તેમ તેમ શામજી નો લોભ વધતો ગયો. ધન ભેગુ તો ઘણું કર્યું પણ શામજી પેલો ભગવાન નો ભાગ કાઢવાનું ભૂલી ગયો. લગ્ન કર્યા, છોકરા છૈયા ને પરણાવ્યા એના છોકરા છૈયા શામજી ઘર મા દરેક ની જરૂરિયાત પૂરી કરે જેને જે જોતું હોય તે લાવી આપે આ બધી પળોજણ મા ભગવાન નો ભાગ તો હવે હાવ ભુલાઈ જ ગયો.   
     
ધીમે ધીમે શામજી ને થાક લાગવા માંડ્યો એમાંય તેની પત્ની માંદગીમાં ગુજરી ગઈ પછી તો શામજી હાવ ભાંગી ગયો હવે શરીર સાથ નહિ આપે તેમ લાગવા માંડ્યું છોકરા ઓ ધંધે ચડી ગયા છે હવે હું કામ નહિ કરું તો ચાલશે આ વિચાર શામજી ને આવ્યો અને શામજી એ કમાવવાનું બંધ કર્યું. 
         
છોકરાઓ એ વ્યવહાર બધો પોતાના હાથમાં લઈ લીધો અને પછીતો મકાન મિલકત ના ભાગ પડ્યા બધાએ બધું વહેંચી લીધું વધ્યો ફક્ત શામજી. એક પણ છોકરાએ રાજી ખુશીથી એમ ના કહ્યું કે બાપા અમારી ભેગા અને શામજી પાછો પોતાના ગામ પોતાના એ જૂના મકાન મા એકલો રહેવા લાગ્યો. હાથે રાંધી ને ખાય ને દિવસો પસાર કરે.
     એક દિવસ શામજી ને શરીર મા કળતર જેવું લાગ્યું, ભૂખ લાગી હતી પણ પથારીમાંથી ઊઠાતુ ન્હોતું અને આજ શામજી ને ભગવાન યાદ આવ્યા હે ઈશ્વર નાનો હતો ત્યારે રમતા રમતા ય તારો ભાગ કાઢવાનું ન્હોતો ભૂલતો અને પછી જેમ જેમ મોટો થયો એમ આ મારું આ મારું કરવામાં તને હાવ ભૂલી ગયો પ્રભુ જેને હું મારા માનતો હતો તે કોઈ મારા નથી રહ્યા અને આજ સાવ એકલો થઈ ગયો ત્યારે ફરી પાછી તારી યાદ આવી છે મને માફ કરજે ભગવાન...હ્રદય નો પસ્તાવો આંખ માંથી આસુ બનીને વહેવા લાગ્યો...અને ત્યાં ડેલી ખખડી શામજીએ સહેજ ઊંચા થઈને જોયું તો રઘો કોળી એનો નાનપણ નો સાથી બિચારો પગે સહેજ લંગડો એટલે એને ક્યાંય ભેગો રાખતા નહિ તે આજ હાથમાં કંઇક વસ્તુ ઢાકી ને લાવ્યો હતો. 
  
શામજી એ સૂતા સૂતા જ આવકાર આપ્યો, આવ રઘા
     રધાએ લાવેલ વસ્તુ નીચે મૂકી અને શામજી ને ટેકો કરીને બેઠો કર્યો, પાણી નો લોટો આપ્યો અને કહ્યું લ્યો કોગળો કરીલ્યો તમારી હાટુ ખાવાનું લાવ્યો છું 
      શામજી કોગળો કરી મોઢું લૂછીને જ્યાં કપડું આઘુ કર્યું ત્યાં ભાખરી, ભરેલ ભીંડાનું શાક અને અડદ ની દાળ ભાંળીને શામજીની આંખમાં આંહુડા આવી ગયા. આજ કેટલા દીએ આવું ખાવાનું મળ્યું. તેણે રઘા હામુ જોય ને કીધું
      
        રધા આપડે નાના હતા ત્યારે તું અમારી હારે રમવા આવતો પણ તારે પગે તકલીફ એટલે અમે તને અમારી ભેગો નો રમાડતા અને આજ તું આ ખાવાનું લાવ્યો મારા ભાઈ આ હું કયે ભવે ચૂકવિશ 
          રધાએ પાણી નો લોટો એની બાજુમાં મૂકતા બોલ્યો તમે તો પેલા ચૂકવી દીધું છે હવે મારો વારો છે 

     ચૂકવી દીધું છે ? ક્યારે ? શામજી ની આંખમાં પ્રશ્નાર્થ આવ્યો

     રધાએ માંડીને વાત કરી તમે બધા  બોર વીણી ને આંબલી પાડી ને ઓલા વડલા હેઠે ભાગ પાડવા બેહતા ત્યારે ખબર છે ભગવાનનો ભાગ કાઢતા અને કહેતા કે ભગવાન આવશે અને એનો ભાગ ખાઈ જશે ઇ તમારા ગયા પછી હું ન્યા આવતો અને એ ભાગ હું ખાઈ જતો તમે બધા બિજે દીવસે આવો ન્યા બોરના ઠળિયા પડ્યા હોય એટલે તમને બધાને એમ લાગતું કે ભગવાન એનો ભાગ ખાઈ ગયા પણ એ હું ખાઈ જતો અને વિચારતો કે આ હું કયે ભવ ચૂકવિશ પણ ગઇકાલે રાતે બધા પાદર બેઠા હતા ત્યારે તમારી  વાત થાતી હતી કે બિચારો શામજી દુઃખી દુઃખી  થઈ ગયો  બિચારા નું કોઈ નથી.
          અને ઘરે જઈને રાતે હૂતા હુતા વિચાર આવ્યો કે રઘા ઓલ્યું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે એટલે પછી આ ખાવાનું લઈને આવ્યો અને હવે તમારે હાથે નથી રાંધવાનું તમારું  બેય ટાઈમનું ખાવાનું મારા ઘરેથી આવશે અને બીજું ક્યારેય નાય નથી પાડવાની અને કાય બોલો તો મારા હમ છે. 

શામજી ની આંખમાંથી આહૂડાં પડી ગયા અને રઘા હામુ જોઈને કીધું. રઘા કમાવા શીખ્યો ત્યારથી આ મારા છોકરા આ મારો પરિવાર એ દરેક ની જરૂરિયાત પૂરી કરવામાં આખી જુવાની ખરચી નાખી પણ છેલ્લે બધાએ તરછોડી દીધો અને નાનપણ મા ખાલી રમતા રમતા તેદી અણહમજ મા  ભગવાનનો ભાગ કાઢ્યો હતો તોય આજ એણે પાછો મને હંભાળી લીધો.

      રઘો શામજી હામુ અને શામજી રઘા હામુ જોય રહ્યા  અને બેય ની આંખ માંથી એક બીજાના આભાર વ્યક્ત કરતા આંસુ વહી રહ્યાં હતા.

Comments

Popular posts from this blog

પટેલ સમાજનો ઈતિહાસ જાણો : કોણ અને ક્યાંથી આવ્યા હતા પાટીદારો

Python HTML Generator using Yattag Part 1

Java Event Delegation Model, Listener and Adapter Classes